सीधे मुख्य सामग्री पर जाएं

બિપોરજોય વાવાઝોડાની સંભિવત અસર સામે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ

 *બિપોરજોય વાવાઝોડાની સંભિવત અસર સામે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ* 

********* 

*પાલનપુર ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇઃ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુચના અપાઇ*  

**********

*પીવાના પાણીની વ્યવસ્થા સાથે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે યુ.જી.વી.સી.એલ. ની ૪૦ જેટલી ટીમો ખડેપગે તૈનાત રખાશે*

(માહિતી બ્યુરો, પાલનપુર) 

           આગામી  દિવસોમાં બિપોરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લા નજીકથી પસાર થવાની સંભાવનાને અનુલક્ષીને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એલર્ટ રહેવાની સુચના અપાઇ હતી.   

           બેઠકમાં કલેકટરશ્રીએ અધિકારીઓને હેડક્વાર્ટર પર એલર્ટ મોડમાં રહેવાની સુચના આપતા જણાવ્યું કે, આગામી તા. ૧૪ જૂન પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ઝડપી પવન ફૂંકાવાની તેમજ વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી હોવાથી કોમ્યુનિકેશન જળવાઇ રહે તે માટે તમામ વ્યવસ્થા અત્યારથી જ કરી લેવામાં આવે. વીજ પુરવઠો ખોરવાય તેવી સ્થિતિ સર્જાય તો અત્યારથી જ પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરી રાખવી, ભારે પવનને કારણે વીજ પોલને નુકશાન થાય તો તેના સમારકામ અને વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે યુ.જી.વી.સી.એલ. ની ૪૦ જેટલી ટીમો ખડેપગે તૈનાત રાખવા. તમામ સરકારી કચેરીઓમાં વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે પાવર બેકઅપની વ્યવસ્થા રાખવા, સ્થળાંતર અને આશ્રયસ્થાનો માટે શેલ્ટર હોમની જરૂરીયાત ઉભી થાય તો સ્કુલોની ચાવીઓ હાથવગી રાખવા, વરસાદી પાણીના નિકાલ માટે ડી-વોટરિંગ પંપ, રસ્તાઓ પરના વૃક્ષો દૂર કરવા જે.સી.બી., ટ્રેક્ટર, ક્રેન સહિતના સાધનો તૈનાત રાખવા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. 

           કલેક્ટરશ્રીએ ધાનેરા રેલ નદીના વહેણ વિસ્તારમાં આવતા ગામોના સરપંચશ્રીઓ, તલાટીઓ અને ગામલોકોને અગાઉથી જાણ કરવા તથા નદીની સ્થિતિ વિશે દર બે કલાકે એનાઉન્સ કરવામાં આવે તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરવા જણાવ્યું હતું. તેમણે તમામ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં દવાઓના પુરતા સ્ટોક સાથે મેડીકલ ઓફિસરને હાજર રાખવા જણાવ્યું છે. જિલ્લામાં ૧ એસ.ડી.આર.એફ. ની ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી ત્રણ દિવસ માટે યોજાનાર શાળા પ્રવશોત્સવ બિપોરજોય વાવાઝોડાના કારણે ટુંકાવીને બે દિવસનો કરવામાં આવ્યો છે એટલે કે, તા. ૧૨ અને ૧૩ ના રોજ શાળા પ્રવેશોત્સવ યોજાશે.  

           પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, પોલીસના જવાનો BSF  અને SDRF સાથે સંકલનમાં રહી કામગીરી કરશે. લોકોને બિપોરજોય વાવાઝોડા અંગે અગાઉથી જાણકારી આપવા માટે પોલીસ ઓડીયો ક્લીપ બનાવીને તેનો પ્રચાર-પ્રસાર કરશે. તેમણે મહેસુલી તંત્ર સાથે રહીને પોલીસના વાહનો લોકોના સ્થળાંતર માટે ઉપયોગમાં લેવામાં આવે તેની સુચના આપી હતી. રસ્તાઓ ખુલ્લા કરવા માટે પોલીસ વિભાગ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરશે. 

            આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એન.પંડ્યા, નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમારસિંઘ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, BSF અધિકારીઓ સહિત તાલુકા કક્ષાએથી મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને નગરપાલિકાના અધિકારીઓ જોડાયા હતાં.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...

બકસરનું યુદ્ધ

બકસરનું યુદ્ધ          અંગ્રેજોએ મિરજાફ ૨ ને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકા ૨ો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો . કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી સાબિત થયો . તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો . મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો . આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહઆલમ આવ્યો હતો . આથી , ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું .      બકસર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું ( 22 ઑક્ટોબર , 1764 ) . જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ , બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી .